દાંત અને પેઢાની તંદુરસ્તી જાળવવાના કેટલાક નિયમો છે, ચાલો જાણીએ શું છે આ નિયમો.
નિયમ (૧)
દરરોજ બે થી ત્રણ વખત દરેક ભોજન કર્યા પછી વ્યવસ્થિત બ્રશ કરો, જેથી ભોજન કર્યા પછી દાંત પર ચોટેલા ખોરાકના કણો દુર થાય અને દાંત સ્વરછ રહે. દાંતમાં સૌથી વધારે થતો રોગ દાંતનો સડો અને પેઢામાં સૌથી વધારે થતો રોગ, પાયોરિયા છે. આ બંને રોગ થવાનું મૂળ કારણ દાંતને સ્વરછ રાખવામાં થતી બેદરકારી છે. જો દરેક ભોજન બાદ બ્રશ કરવામાં આવે તો બંને રોગથી ઘણા અંશે બચી શકાય છે. વ્યવસ્થિત બ્રશ કરવાની સમજણ આગળના અંકમાં આપેલી હતી, છતાં તમે તમારા ફેમેલી દાંતના ડોક્ટર પાસે માર્ગદર્શન મેળવી શકો છો.
નિયમ (૨)
વિટામીન અને ખનીજ તત્વોથી ભરપુર રેસાવાળો ખોરાક લો, વિટામીન અને ખનીજ તત્વો દાંતના બંધારણને મજબુતી આપે છે અને સડા સામે રક્ષણાત્મક ફાળો આપે છે. જો કે આવો ખોરાક જયારે દાંતનું બંધારણ બનતું હોય ત્યારે એટલે કે વિકસિત બાળકોમાં (બાળકની ગર્ભાવસ્થા થી શરુ કરીને ૧૭ વર્ષ સુધી) ખુબ જ ઉપયોગી છે. રેસાવાળો ખોરાક બરછટ હોવાથી દાંત સાથે ચોટતો નથી. રેસાવાળો ખોરાક પોતે જ દાંતને સાફ રાખે છે અને એટલે જ કોઈ પ્રાણીઓને દાંત સાફ કરવાની જરૂર પડતી નથી.
નિયમ (૩)
આઈસ્ક્રીમ,ચોકલેટ,મીઠાઈ વગેરેનો ઉપયોગ ઓછો કરો. ખાસ કરીને બે ભોજન વચ્ચે આવો ગળ્યો કે ચીકણો આહાર ન લેવો. આવો ખોરાક ચીકણો હોવાથી જમ્યા પછી તેના કણો દાંત સાથે ચોટી જાય છે અને ત્યારબાદ જો બ્રશ કરવામાં ન આવે તો મોઢામાં રહેલા જીવાણુંઓ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરીને દાંતમાં સડો અને પાયોરિયા જેવા રોગો ઉત્પન્ન કરે છે. જો ગળ્યો અને ચીકણો ખોરાક ખાવો હોય તો જમ્યા પહેલા ઓછી માત્રામાં લેવો જોઈએ અને જમ્યા બાદ બ્રશ કરવું જોઈએ. બે ભોજન વચ્ચે નાસ્તા તરીકે આવા ખોરાકનો ઉપયોગ દાંત માટે નુકશાનકારક છે. તમાકુ, પાનમસાલા, ધ્રુમપાન દાંત માટે તેમજ શરીરની તંદુરસ્તી માટે હાનીકારક છે.
નિયમ (૪)
સારાટૂથબ્રશ અને ટૂથપેસ્ટ વાપરો. દાંત સાફ કરવા માટે હંમેશા નરમ તાંતણાવાળું બ્રશ વાપરવું જોઈએ અને દર ત્રણ કે ચાર મહીને બ્રશ બદલી નાખવું જોઈએ. બજારમાં મળતી જુદીજુદી બ્રાન્ડની ટૂથપેસ્ટમાંથી કોઈ પણ બ્રાન્ડની ટૂથપેસ્ટ વાપરી સકાય, બધી જાતની ટૂથપેસ્ટ વચ્ચે ખાસ કોઈ તફાવત હોતો નથી. ટૂથપાવડર કે દંતમંજનનો લાંબો ઉપયોગ દાંતને નુકશાનકારક છે.
નિયમ (૫)
દર છ મહીને તમારા દાંતની અને મોઢાની તબીબી તપાસ તમારા ફેમીલી દાંતના ડોક્ટર પાસે કરાવો. જેથી કોઈ રોગની શરૂઆત થતી હોય તો તેની જાણ થાય અને તે જ તબક્કે તેની સારવાર થઈ શકે. એક જૂની કહેવત છે કે “ દુશ્મનને અને રોગને તો ઉગતો જ ડામી દેવો જોઈએ“. દાંતનો સડો અને પાયોરિયા બંને રોગ જયારે શરૂઆતના તબક્કામાં હોય ત્યારે દુખાવો કે કોઈ પણ જાતની તકલીફ થતી નથી અને જયારે તકલીફ થાય ત્યારે રોગ વકરી ચુક્યો હોય છે. કોઈ પણ જાતની તકલીફ ન હોય તો પણ દર છ મહીને દાંતની તબીબી તપાસ કરાવવી જોઈએ. દાંતના રોગની શરૂઆતના તબક્કામાં જ જો સારવાર થાય તો શ્રેષ્ઠ પરિણામ મળે અને ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં સારવાર થાય, તેના માટે રોગનું શરૂઆતના તબક્કામાં જ નિદાન થવું જરૂરી છે. દર છ મહીને દાંત અને મોઢાની તબીબી તપાસથી મોઢાના કેન્સરના પ્રાથમિક ચિહ્નોનું નિદાન પણ થઈ શકે અને તેની વહેલી સમયસરની સારવારથી કેન્સરથી બચી શકાય.
🏥સરનામું : -
શુભલક્ષમી શોપિંગ સેન્ટર, તિરૂપતિ કુરિયરની ઉપર, અજય કોઠિયાલા હોસ્પિટલની પાસે, સ્ટેશન રોડ, આણંદ, ગુજરાત (388001)
સંપર્ક ☎️ : - 02692 - 266498, +91 70965 32278
🏥સરનામું : -
શુભલક્ષમી શોપિંગ સેન્ટર, તિરૂપતિ કુરિયરની ઉપર, અજય કોઠિયાલા હોસ્પિટલની પાસે, સ્ટેશન રોડ, આણંદ, ગુજરાત (388001)
સંપર્ક ☎️ : - 02692 - 266498, +91 70965 32278